Type Here to Get Search Results !

વ્યાકરણ એટલે શું ? ગુજરાતી વ્યાકરણનો ઇતિહાસ

વ્યાકરણ એટલે શું ?

વ્યાકરણ એટલે કોઈ પણ ભાષા બોલવા અને લખવાના નિયમોનું શાસ્ર અથવા તો તે ભાષાના નિયમોને લગતી વિદ્યા. સાદા શબ્દોમાં કહીએ તો જેનાથી શબ્દો સાચી રીતે કેમબોલવા અને કેમ લખવા તેની ચોખવટ થાય તેવું શાસ્રર. 

વ્યાકરણ ભાષાને નિયમબદ્ધ કરે છે અને બગડતી અટકાવે છે. જ્યારે આપણે વ્યાકરણની વાત કરીએ ત્યારે આપણે ભાષા અને વ્યાકરણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે સમજી લેવો જોઈએ. 

પહેલા ભાષાનો ઉદ્ભવ થાય છે અને પછી વ્યાકરણ સર્જાય છે. જગતની કોઈ ભાષામાં પહેલા વ્યાકરણ તૈયાર થયું અને તેના આધારે ભાષાનું ઘડતર થયું હોય તેવું બન્યું નથી. 

પહેલા બાળકનો જન્મ થાય અને ઉછેર થાય અને પછી એ ઉછેરના અનુભવો પરથી બાળઉછેરના નિયમો તૈયાર થાય તેવી આ સ્વાભાવિક પ્રક્રિયા છે. જેમ બાળઉછેરના નિયમો કે ધારાધોરણ શાશ્વત કે સર્વસ્વીકાર્ય ન હોઈ શકે તેમ વ્યાકરણ કે જોડણીના નિયમો કદી શાશ્વત કે સર્વસ્વીકાર્ય બની શકે નહિ.

વ્યાકરણ કે જોડણી વિશે સૌને પોતાના મંતવ્ય રજૂ કરવાનો હક્ક છે મધ્યયુગના સમયમાં વ્યાકરણ માટે “શબ્દાનુશાસન' એવી ઓળખ અપાતી હતી કેમકે એમાં શબ્દોનું અનુશાસન એટલે ઉપદેશ કરાય છે.

 શબ્દાનુશાસનમાં ખોટા અક્ષર, ખોટા શબ્દ અને ખોટા વાક્યથી સાચા અક્ષર, સાચા શબ્દ અને સાચા વાક્ય જુદા પાડી તે બન્ને વચ્ચેનો ફરક સમજાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં ઘણાં વ્યાકરણ રચાયા. 

વ્યાકરણ એટલે શું ? ગુજરાતી વ્યાકરણનો ઇતિહાસ

સંસ્કૃતમાંથી કાળક્રમે ઉતરી આવેલી છ ભાષાઓ પડ્‌ ભાષા કહેવાય છે. તે આ પ્રમાણે છે :

(૧) મહારાષ્ટ્ર પ્રાકૃત

(૨) શૌરસેની પ્રાકૃત

(૩)માગધી

(4) પૈશાચી

(૫) ચૂલાકા પૈશાચી અને

(૬) અપભ્રંશ

ઈસુની ૧૨મી સદીના ગુજરાતના વિદ્વાન હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ભાષા ઉપરાંત પોતાના સમયની આ છ યે છ ભાષાના સાંગોપાંગ વ્યાકરણ ગ્રંથ “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરી હતી તેથી જ તેમના ગુણગાન માત્ર ગુજરાતના નહિ પણ સમગ્ર ભારતના ભાષાશાસ્રીઓ આજે પણ ગાય છે. 

તેમના સમયમાં ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો ન હતો એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ તેમણે લખ્યું હતું તેવું ન કહી શકાય. 

હેમચંદ્રાચાર્યે “શબ્દાનુશાસન'માં વ્યાકરણના મૂળસૂત્ર ઉપરાંત મૂળસૂત્રને સમજાવવા માટે લઘુ, મધ્યમા અને બૃહદ એમ ત્રણ વૃત્તિ તૈયાર કરી હતી અને ત્રણેયમાં વ્યાકરણની ઉત્તરોત્તર વધુ વિગતવાર છણાવટ છે.

 લઘુવૃત્તિમાં ૬૦૦૦, મધ્યમામાં ૯૦૦૦ અને બૃહદવૃત્તિમાં ૧૮,૦૦૦ શ્લોક છે. આ સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની લઘુવૃત્તિનું સંપાદન-અનુવાદ-વિવેચન કરતો એક સુંદર ગુજરાતી ગ્રંથ પંડિત બેચરદાસ દોશીએ તૈયાર કર્યો છે અને તે ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ૧૯૭૮માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

 હેમચંદ્રાયાર્યના સમય પછી કાળકમે પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાંથી મરાઠી ભાષાનું અવતરણ થયું જ્યારે શૌરસેની પ્રાકૃત ભાષામાંથી જૂની ગુજરાતીનું ઘડતર થયું. 

જૂની ગુજરાતી ભાષા લગભગ ૧૮મી સદીની આખર સુધી બોલાતી, લખાતી અને વિકસતી રહી પરંતુ તેના બોલવા, લખવાના નિયમો નિયત કરતું કોઈ વ્યાકરણ ન લખાયું. 

જૂની ગુજરાતી ભાષા અને આપણે આજે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ અને લખીએ છીએ તે વચ્ચે ઘણો તફાવત છે. 

જૂની ગુજરાતી ભાષામાં લખાયેલું સાહિત્ય જેમકે ૧૪મી-૧૫મી સદીમાં રચાયેલા રાસ કે અન્ય કૃતિ આજે જો આપણે વાંચવા જઈએ તો તેમાં ભાગ્યે જ કંઈ સમજાય. જૂઓ કવિ અસાઈતે જૂની ગુજરાતીમાં વિક્રમ સંવત ૧૪૧૭માં રચેલી હંસાઉલી રાસની પ્રારંભિક પંક્તિઓઃ

ચકતિ સંભૂઅ સકતિ સંભૂઅ પત્ત પરમેસુ

સિદ્ધ બૃદ્ધિ વર જિકનહર કરુ કવિત મનિ ધરું આદિ

૧૯મી સદીની શરૂઆતથી જૂની ગુજરાતી ભાષા બદલાવા લાગી અને તેમાંથી હાલની આર્વાચિન ગુજરાતી ઉપસવા લાગી. તે કાળમાં ગુજરાતમાં અંગ્રેજોનો પગપેસારો શરૂ થયો હતો અને તે સમય રાજકીય અસ્થિરતાનો સમય હતો. 

અંગ્રેજી રાજની અગાઉ જ્યારે મોગલ સુબાઓ, મુસ્લિમ નવાબ-સુલતાનો કે મરાઠી ચોથ ઊઘરાવનારાઓનું ગુજરાતમાં રાજ હતું ત્યારે એટલે ૧૯મી સદીની શરૂઆત સુધી ગુજરાતી ભાષા તુચ્છ લેખાતી હતી. 'શું શાં પૈસા ચાર' કહેવતમાં તે વખતના ૧૭-૧૮મી સદીના જમાનાના વાતાવરણની ઝલક જોવા મળે છે. 

નવાઈની વાત એ છે કે આ આપણી ભાષાની 'શું શાં પૈસા ચાર'ની પરિસ્થિતિ અંગ્રેજોએ દૂર કરી! એક વખત સમગ્ર ગુજરાત પર અંગ્રેજોનો અંકુશ આવી ગયો ત્યાર પછી વાતાવરણ બદલાયું. 

અંગ્રેજી રાજભાષા બની. પરંતુ અંગ્રેજોએ વેપાર કરવા અને રાજ ચલાવવા માટે માત્ર અંગ્રેજી પર મદાર રાખ્યો નહિ. તેમણે સામાન્ય પ્રજા સાથે પનારો પાડવા માટે ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપ્યું અને તેથી ગુજરાતમાં ફારસી-અરબી કે મરાઠી ભાષા કરતાં ગુજરાતી ભાષાની આબરુ વધી. 

ગુજરાતી પ્રજા સાથે સંપર્ક વધારવા અને રાજનું કામ સરળ બનાવવા ઘણાં અંગ્રેજ અમલદારો મહેનત કરીને ગુજરાતી ભાષા પણ શીખ્યા. સર ટી.સી. હોપ કે ફાર્બસ જેવા અંગ્રેજોનું ગુજરાતીનું શાન તે સમયના ઘણા ગુજરાતી વિદ્વાનો જેટલું જ હતું. 

આજે પણ કાકા કાલેલકર કે ફાધર વૉલેસ કરતાં અમને વધુ સારું ગુજરાતી આવડે છે એમ આપણામાંથી કેટલા માણસ માથું ઊંચું રાખી કહી શકે તેમ છે?