Type Here to Get Search Results !

મહિલા સુરક્ષા પર નિબંધ ગુજરાતી Mahila Suraksha Nibandh Gujarati

 મહિલા સુરક્ષા પર નિબંધ ગુજરાતી Mahila Suraksha Nibandh/Essay Gujarati : મહિલા સુરક્ષા : ભારતની એક ગંભીર સમસ્યા

મહિલા સુરક્ષા પર નિબંધ ગુજરાતી Mahila Suraksha Nibandh Gujarati
મહિલા સુરક્ષા પર નિબંધ ગુજરાતી Mahila Suraksha Nibandh Gujarati

મહિલા સુરક્ષા પર નિબંધ ગુજરાતી Mahila Suraksha Nibandh Gujarati

પ્રસ્તાવના

यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवताः

ઉપર્યુક્ત સંસ્કૃત શ્લોક નારી સન્માન, નારીની આગવી પ્રતિભા રજૂ કરતો અર્થ સૂચવે છે કે, ‘જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે' જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે સમાજ એટલો જ પ્રગતિશીલ અને વિકસિત હોય છે. તેથી જ કોઈએ સાચું કહ્યું છે કે, માતાના રૂપમાં નારી પ્રથમ ગુરુ હોય છે, અને તેથી જ કહેવાય છે કે એક આદર્શ માતા સો શિક્ષકની ગરજ સારે છે. જે એ નિષ્કર્ષને સત્યતા પ્રદાન કરે છે કે, દરેક પરિસ્થિતિમાં મહિલાનું સન્માન થવું જોઈએ.

પ્રાચીન ભારતમાં મહિલાની પરિસ્થિતિ

ભારતીય સમાજ પ્રાચીન સમયથી જ એક સાંસ્કૃતિક અને શિક્ષિત સમાજની આગવી ઓળખ ધરાવે છે. તેમાં પણ મહિલાનું સ્થાન ખૂબ જ સન્માનનીય અને આગવું હતું. તેના પુરાવારૂપે આપણને જાણવા મળે છે કે, વૈદિકાળમાં સ્ત્રીઓની સ્થિતિ સમાજમાં ઉન્નત હતી. અપાલા, ઘોષા, વિશ્વધારા, લોપામુદ્રા વગેરે વિદુષીઓએ ઋચાઓની રચના કરેલી છે. 

મધ્યકાળ દરમિયાન પણ મહિલાશક્તિ તેની ખુમારી અને સજાગ વ્યક્તિત્વના ઓજસ દ્વારા સમાજને પોતાની આગવી ઓળખાણ રજૂ કરે છે. તેમાં જોઈએ તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઝાંસીના રાણી લક્ષ્મીબાઈએ એકલા હાથે મેજર હ્યુરોજ અને તેના સાથીઓને રણમેદાનમાં હંફાવ્યા હતા અને લક્ષ્મીબાઈની આ વીરતા જોઈને મેજર હ્યુરોજે પણ તેને સ્વાતંત્ર્ય સંગ્રામના ‘મર્દ’ની ઉપમા આપી તેની ખુમારીને બિરદાવી હતી. આ બાબતમાં ગુ- જરાતમાં જોઈએ તો ભૂપા, મીનળદેવી અને નાયકાદેવીને ભૂલી શકાય તેમ નથી, જે એક સ્ત્રી રહીને પણ કુશળ વહીવટદાર, શાસક અને બહાદુરીપૂર્વક યુદ્ધ લડીને સ્ત્રી સમાજની એક આગવી ઓળખ ઊભી કરે છે.

આધુનિક ભારતમાં મહિલા સુરક્ષા અને તેની સ્થિતિ

સમયાંતરે નારીઓની સ્થિતિ દયનીય થતી ગઈ અને તેમને ઘણા કુરિવાજોનો સામનો પણ કરવો પડ્યો અને આ સમય દરમિયાન મહિલાઓને તેમની સ્વાતંત્ર્યતા સુરક્ષા સંબંધી ઘણા પ્રશ્નો પણ ઊભાં થયા, જે તેના વિકાસ માર્ગમાં બેડીરૂપ સાબિત થયા. તેમાં આપણે જોઈએ તો આધુનિક સમાજની પુરુષપ્રધાન માનસિકતા જેને આપણે બદલી શક્યા નહીં. સમાજનું વલણ સ્ત્રી પ્રત્યે ખૂબ જ નીચી કક્ષાનું રહેવા લાગ્યું જેના કારણે આજે મહિલા માટે સશક્તિકરણની આવશ્યકતા ઊભી થઈ. આ પરિસ્થિતિ જોતા કવિ મૈથિલીશરણ ગુપ્તની પંક્તિ સાર્થક થાય છે કે,

‘અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની, આંચલ મેં હૈ દૂધ ઔર આંખો મેં પાની’

આધુનિક ભારતમાં મહિલાઓ સમક્ષ ઘરેલુ હિંસા, યૌન શોષણ, દુષ્કર્મ, દહેજ માટેનું ઉત્પીડન વગેરે જેવા પડકારો ડાચું ફાડીને ઊભાં છે. તેની સામે તેઓને રક્ષણ અને સંરક્ષણ પૂરું પાડવાની તાતી જરૂરિયાત છે. આમ આ બધું જોતા આધુનિક સમાજમાં મહિલાની સુરક્ષા માટે ઘણા સુધારાની તાતી ખોટ વર્તાઈ છે જે માટે ભારત દેશમાં અને વૈશ્વિક ધોરણે ઘણા સુધારાઓ હાથ ધરાયા.

મહિલા સુરક્ષા - સશક્ત બનાવવા પ્રયત્નો

ભારતમાં મહિલાઓને સશક્ત બનાવવાના માટે કોઈ પ્રયત્નો નથી થયા એવું નથી, આપણા દેશમાં મહિલા સુરક્ષા અને તેના વિકાસ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમકે...

  • મહિલાઓને સંરક્ષણ ક્ષેત્રે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સ્થાન પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
  • પંચાયતી રાજમાં પણ મહિલાઓને આરક્ષણ આપવામાં આવી રહ્યું છે. 
  • ઈ.સ.1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી છે, જેનું કાર્ય નારીઓને કાનૂની સુરક્ષા અને માર્ગદર્શન પ્રદાન કરવાનું છે.
  • વર્તમાન સમયમાં પણ નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ઘણા અભિયાન અને યોજનાઓ અમલમાં છે, જેમકે, બેટી બચાવો-બેટી પઢાઓ યોજના, બાલિકા સુકન્યા સમૃદ્ધિ યોજના, સરસ્વતી સાધના યોજના અને ઉજ્જવલા યોજના.

આ અભિયાનો અને યોજનાઓ મહિલાઓની ક્ષમતાઓને ઓળખી તેમને રાષ્ટ્રના વિકાસ અને સ્વાવલંબનના માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે અનેક માર્ગો મોકળા રહી રહી છે. વૈશ્વિક કક્ષાએ પણ મહિલા સુરક્ષા અને તેનું સશક્તિકરણ ચિંતનીય મુદ્દો રહ્યો છે, તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 8 માર્ચ, 1975ના દિવસથી મહિલા દિવસની શરૂઆત કરવામાં આવી છે, જેના અનુસંધાને દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે એક ગૌરવની વાત છે.

મહિલા સુરક્ષા અને સશક્તિકરણમાં સુધારાને અવકાશ

મહિલાની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ઘણા જ સુધારા થયા છે, છતાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. હજુ લક્ષ્ય બહુ દૂર છે. દેશના છેવાડાની સ્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને સામાજિક, આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સન્માનનીય સ્થિતિ સુધી લાવવા પ્રયત્ન કરી શકાય, તેવા માહોલનું નિર્માણ કરવાનું છે. તેની સુરક્ષા માટે કરાટે, કુસ્તી વગેરે જેવા સ્વબચાવના પ્રશિક્ષણ કેન્દ્રનો વધારેમાં વધારે વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. શાળા અને કોલેજોમાં પણ આવા પ્રશિક્ષણ કેન્દ્ર, મહિલાઓની સુરક્ષા, તેના હકો વગેરે અર્થે શિબિર, સેમિનારનું આયોજન થવું જોઈએ અને સ્રીઓને ઘરના ઉંબરેથી અંતરિક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમની નારી-પ્રતિભાને ગૌરવાન્વિત કરવી રહી અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઈને પોતાની જાતને સશક્ત બનાવવા કમર કસવી પડશે.

સારાંશ

‘શ્રી પુરુષ કી ગુલામ નહીં, સહધર્મિણી, અર્ધાંગિની ઓર મિત્ર હૈ’ - મહાત્મા ગાંધી

ઉપર્યુક્ત પંક્તિ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ વિશે ઘણુંબધું કહી જાય છે. આમ, પ્રગતિશીલ અને વિકસિત સમાજના નિર્માણમાં નારીનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યારે સમાજ સશક્ત અને વિકસિત હોય છે. તો રાષ્ટ્ર પણ મજબૂત બને છે. આ પ્રકારે રાષ્ટ્રનિર્માણમાં પણ મહિલાઓ કેન્દ્રીય ભાગ ભજવે છે. હાલના સમયમાં મહિલા સુરક્ષા એ એક સામાજિક પ્રશ્ન છે, તેનું જેમ બને તેમ જલ્દીથી નિરાકરણ લાવવું રહ્યું અને તેની સાથે જ કુંટુબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ જોડાયેલી છે.

Tags