Type Here to Get Search Results !

માસિક ચક્રની અનિયમિતતા Irregularity of the menstrual cycle

મહિલાને માસિક આવવું, ગણતરીના દિવસો સુધી આવવું અને ચોક્કસ દિવસોનું એક ચક્ર પૂરું થાય એટલે ફરી આવવું આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે, જે મહિલાને સંપૂર્ણ સ્ત્રી હોવાનું પ્રમાણપત્ર આપે છે. મહિલાઓ પણ આ દેહધાર્મિક ક્રિયાનો સાદર સ્વીકાર કરી શિસ્તબદ્ધ રીતે નિભાવે છે. એટલે જ તો ભારતીય સંસ્કૃતિમાં તેને માસિક ધર્મ કહે છે, તબીબી ભાષામાં એને મેસ્યુઅલ સાયકલ કહેવાય છે. સુશિક્ષિત મહિલાઓ તેને ટૂંકા નામથી એમ.સી. કહે છે. મુખ્યત્વે માસિકચકનું સંચાલન ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવો કરે છે, એટલે એ સ્વાભાવિક ગણાય કે તેની વધઘટના કારણે સમસ્યાઓ ઉદ્ભવે. આ પ્રકરણમાં આપણે માસિકધર્મની અનિયમિતતાઓ વિશે જાણીએ તે પહેલાં એ સ્પષ્ટતા કરી લઇએ કે :
માસિક ચક્રની અનિયમિતતા Irregularity of the menstrual cycle
 

નિયમિત માસિકચક્ર કોને કહેવાય ?

માસિકધર્મ દરમિયાન યોનિમાર્ગમાંથી થતાં રક્તસ્ત્રાવનો સમયગાળો ૩ થી ૫ દિવસનો હોય છે. દર ૨૮ દિવસનું એક ચક્ર હોય છે. દર માસિકચક્રમાં આશરે ૫૦-૬૦ મિ.લિ. રક્ત વહી જાય છે. માસિક દરમિયાન પેડુંમાં દુઃખાવો થાય, મૂડ બદલે એ સામાન્ય બાબતો છે અને તેની સામાન્ય દવાઓથી સારવાર કરી શકાય છે. સહનશીલ મહિલાઓએ દવાઓ લેવી પડતી નથી. આટલી પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ આપણે માસિકની અનિયમિતતાઓ વિશે જાણીશું.

મેનોરેજિયા (ભારે માસિકસ્ત્રાવ)

સામાન્ય રીતે સ્ત્રીઓમાં માસિક નિયમિત રીતે દર મહિને સાધારણ પ્રમાણમાં આવે છે. જ્યારે માસિક દર મહિને જ આવે પરંતુ રક્તસ્રાવનું પ્રમાણ વધારે હોય (૮૦ મિ.લિ. થી વધારે) અથવા વધારે દિવસો સુધી આવે અથવા બંને અનિયમિતતાઓ સાથે આવે તેને અંગ્રેજીમાં મેનોરેજિયા કહે છે, આવી મહિલાઓમાં માસિક દરમિયાન લોહીનાં જામી ગયેલ મોટા-મોટા કટકા પડે છે, સેનેટરી પેડ વધારે વાપરવાં પડે છે, સમય જતાં લોહીની ટકાવારી ઘટી જાય છે. અને શરીર ફિદું પડી જાય છે. ભારે માસિકસ્રાવ એ રોગ નથી પરંતુ રોગનું લક્ષણ છે. ગર્ભાશયનાં કેટલાક રોગો અનિયમિત માસિક સ્વરૂપે દેખાય છે. આવા રોગોમાં ગર્ભાશયની ગાંઠ (ફાઇબ્રોઇડ), ગર્ભાશય મોટું અથવા પહોળું થવું (એડિનોમાયોસિરા), ફેલોપિયન ટ્યૂબ (ગર્ભનલિકા) અને અંડાશયની ગાંઠ, ગર્ભાશયનો ટી.બી., ગર્ભાશયની સ્થિતિ ઊલટી હોવી, ગર્ભાશયમાં કોપર-ટી મૂકેલી હોવી, એન્ડોમેટ્રોસીસનો રોગ વગેરેનો સમાવેશ થાય છે. શરીરનાં અન્ય અવયવો જેવાં કે, લિવર કે હૃદયના રોગ, હાઇ બી.પી., થાઇરોઇડનો રોગ, બ્લડ કેન્સર અને માનસિક તનાવ પણ જવાબદાર હોય છે. મેનોરેજિયાની સારવાર કરવાનો વિષય ડૉકરટનો છે પરંતુ એટલું જાણી લઈએ કે આ પ્રકારની સમસ્યામાં હોર્મોન્સની ગોળીઓ આપવામાં આવે છે. જે ગર્ભાશયની ગાંઠ હોય અથવા તે પહોળું થઇ ગયું હોય અથવા ગર્ભાશયની નળી કે અંડાશયની ગાંઠ હોય અને જો તેમને બાળકો ન જોઇતા હોય તો ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવે છે. થાઇરોઇડની બીમારીમાં હોર્મોન્સ (અંતઃસ્ત્રાવ) ની ગોળીઓથી સારવાર કરવામાં આવે છે. અંતઃસ્ત્રાવો (હોર્મોન્સ)ની અસરથી માસિકચક નિયંત્રિત થાય છે. તેમાં વધઘટ થવાથી માસિકસ્રાવમાં વધઘટ થાય છે. જેને ડૉકટરો DUB કહે છે. તેની સારવારમાં હોર્મોન્સની ગોળીઓ, ક્યૂરેટિંગ (ગર્ભાશયની અંદરના આવરણને સાફ કરવું) અથવા ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન કરવા જેવા ઇલાજો અખત્યાર કરવામાં આવતા હોય છે. ફેમિલી પૂર્ણ થઇ ગયું હોય તેવા કેસમાં TCRE કરવામાં આવે છે. TCRE એટલે ગર્ભાશયમાં દૂરબીન દાખલ કરી ખાસ પ્રકારના સાધનવડે ગર્ભાશયનું આંતરિક આવરણ દૂર કરવાની પ્રક્રિયા. તદુપરાંત થર્મલ બલૂન થેરાપી નામે ઓળખાતી પ્રક્રિયા દ્વારા ઊકળતાં પાણી વડે ગર્ભાશયની અંદરની દીવાલ બાળવામાં આવતી હોય છે.

પોલીમેનોરિયા (માસિક વારંવાર અને વધારે દિવસો સુધી આવવું)

આ સમસ્યામાં માસિક ૨૧ દિવસ કરતાં વહેલું આવી જાય છે. અને તેનું પ્રમાણ અને અથવા સમયગાળો વધારે હોય છે. સામાન્ય રીતે આ જાતની અનિયમિતતા ટીનેજ છોકરીઓમાં (૧૩- ૧૯ વર્ષ), મેનોપોઝ (માસિકચક્ર કાયમી બંધ થવું) પહેલાં અને પ્રસૂતિ ગર્ભપાત પછી જોવા મળે છે. ઘણીવાર પેડુમાં સોજો આવી ગયો હોય તો આવા કિસ્સામાં પણ આવું થતું જોવા મળે છે. આ સમસ્યાની સારવાર પણ આગળ જણાવ્યા પ્રમાણે (DUB) ની સારવાર પ્રમાણે કરવામાં આવે છે.

મેટ્રોરેજિયા (અનિયમિત માસિક)

આવા કેસમાં માસિક ખૂબ જ અનિયમિત અને વધારે આવે છે. પ્રજનન માર્ગનાં કોઇપણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય તો તેનો સમાવેશ પણ આમાં કરવામાં આવે છે. આવી તકલીફ ટીનેજ છોકરીઓમાં, ડિલિવરી એબોર્શન પછી અને મેનોપોઝ પહેલાં જોવા મળે છે. ગર્ભાશયની અંદરની બાજુમાં ફાઇબ્રોઇડની ગાંઠ હોય, ગર્ભાશયમાં મસો હોય (POLYP), ગર્ભાશયનાં મુખનું અથવા દીવાલનું કેન્સર હોય, ગર્ભાશયનાં મુખની ચાંદી હોય, ગર્ભાશયનાં મુખનો મસો હોય તો પણ આવી તકલીફ જોવા મળે છે. આ બધાં કારણો ઉપરાંત બે માસિકચક્ર વચ્ચે રક્તસ્રાવ થાય તેનાં કારણોમાં સ્ત્રીબીજ છૂટું પડે ત્યારે, ગર્ભનિરોધક ગોળી ભૂલી જવાય તો અને કોપર-ટી મૂકેલ હોય વગેરે કારણોનો સમાવેશ થાય છે. આ તકલીફની સારવારમાં હોર્મોન્સની ગોળીઓ અને જો ફાઇબ્રોઇડ હોય તો અને મોટી ઉંમર હોય તો કોથળી કાઢવાનું ઓપરેશન કરવામાં આવે છે. મસો હોય તો તેને દૂર કરવામાં આવે છે. મુખની ચાંદી થઇ હોય તો તેને બાળવામાં આવે છે. કોપર-ટી ના કારણે હોય તો તેને દૂર કરવામાં આવે છે. જેનું કારણ હોય તેવો ઇલાજ અજમાવવામાં આવે છે.

અલ્પ માસિકસ્રાવ (ઓલિગોમેનોરિયા)

આ પ્રકારની અનિયમિતતામાં સ્ત્રીઓને માસિક નિયમિત રીતે અથવા અનિયમિત રીતે ૩૫ દિવસથી વધારે દિવસના અંતરે આવે છે અને ઘણીવાર ફક્ત કપડામાં ડાઘ પડે એટલું જ અલ્પમાત્રામાં આવે છે.
Tags