Type Here to Get Search Results !

માસિક સ્રાવ એટલે શું ? અને ગર્ભ કેવી રીતે રહે છે ?

માસિક સ્રાવ એટલે શું ?

તરુણીને 12 થી 14 વર્ષ દરમ્યાન શરુ થઈ દર મહિને સામાન્ય રીતે ૪ થી ૫ દિવસ યોનિમાર્ગમાંથી લોહી જાય છે તેને માસિકસ્રાવ કે માસિક ઋતુસ્રાવ કે માસિક ધર્મ કહે છે. દર મહિને નિશ્ચિત દિવસોમાં આવતા માસિક સ્રાવમાં લોહી ઉપરાંત ગર્ભાશયની અંદરનું ખરી પડેલ અસ્તર, સ્ત્રીબીજ (અંડકોષ) અને બીજું પ્રવાહી હોય છે. ૧૨ થી ૧૪ વર્ષે તરુણીમાં સૌ પ્રથમવાર માસિકસ્રાવ દેખાવાનું શરૂ થાય તેને (મેનાક) રજોદર્શન કહે છે અને ૪૫ વર્ષ કે તેની આસપાસના સમયમાં માસિક સ્રાવ બંધ થઈ જાય છે તેને રજોનિવૃત્તિ (મેનોપોઝ) કહે છે. માસિકસ્રાવ શરૂ થયાથી બંધ થવાના ગાળા દરમ્યાન સ્ત્રી-પુરુષ સમાગમ થાય અને સ્ત્રી-બીજ પુરુષના અસંખ્ય શુક્રાણુમાંથી એક શુક્રાણુ દ્વારા ફલિત થાય તો ગર્ભાધાન રહી શકે છે. સ્ત્રીબીજ જ્યાં સુધી છૂટું પડતું રહે તે વર્ષો દરમ્યાનનો સમય પ્રજનનકાળ કહેવાય છે, જે સામાન્ય રીતે ૧૫ થી ૪૫ વર્ષનો ગણાય છે. માસિકસ્રાવ એ સ્ત્રીત્વની એટલે કે માતૃત્વ ધારણ કરવાની શક્તિની નિશાની છે તો પછી આ કુદરતી પ્રક્રિયાને કદી અપવિત્ર કે ગંદી ગણાય ખરી ?

માસિક સ્રાવ એટલે શું ? માસિક ચક્ર એટલે શું ?

માસિક ચક્ર એટલે શું ? અને ગર્ભ કેવી રીતે રહે છે ?

બે માસિક વચ્ચેના સમયગાળાને માસિક ચક્ર કહેવામાં આવે છે. આ માસિકચક્રનો ગાળો સામાન્ય રીતે ૨૮ દિવસનો હોય છે. માસિક સ્રાવ શરૂ થવાના ૧૪ મા દિવસે સ્ત્રીબીજ છૂટું પડે છે. જેને અંડવિમોચન કહે છે. એટલે કે અંડાશયમાંથી સ્ત્રીબીજ પરિપક્વ થઈને બીજવાહિની નલિકા મારફતે ગર્ભાશયમાં આવે છે. આમ આ પરિપક્વ થયેલ સ્ત્રીબીજ માસિક ચક્રના બરાબર વચ્ચેના સમયે છૂટું પડે છે, જે બે દિવસ જીવે છે. આ સમય દરમ્યાન સ્ત્રીની યોનિ અને ગર્ભાશયની અંદર પુરુષબીજ એટલે કે શુક્રાણુઓનું વહન કરવા માટે કુદરતી રીતે અનુકૂળ વાતાવરણ તૈયાર થતું હોય છે. આ સમયે સ્ત્રીબીજ અને પુરુષબીજ (શુક્રાણુ) મળે તો જ ગર્ભ રહે અને ગર્ભ રહે તો પછી માસિક આવતું બંધ થાય છે. પ્રસૂતિ પછીના અમુક મહિના બાદ ફરી માસિક શરૂ થાય છે. પ્રસૂતિ પછી કેવળ સ્તનપાન કરાવનાર મહિલામાં માસિક પ્રમાણમાં થોડું મોડું આવે છે.

માસિક ચક્રનો ગાળો અને માસિકનું પ્રમાણ સ્ત્રીઓમાં જુદાં કેમ હોય છે ?

સામાન્ય રીતે આ ગાળો ૨૮ દિવસનો હોય છે. પરંતુ વિવિધ કારણોસર કેટલીક સ્ત્રીઓમાં ગાળો અલગ અલગ હોય છે. માસિક ચક્રનું નિયમન મસ્તિષ્કમાં મગજની નીચે આવેલ પિચ્યુટરી નામની ગ્રંથિ કરે છે. માનસિક તાણ કે ચિંતાને લીધે પણ માસિકની તારીખોમાં ફેરફાર થઈ શકે છે. ગર્ભાશયની દીવાલ પાતળી હોય તો ઓછું માસિક આવી શકે છે અને જાડી હોય તો વધુ માસિક આવી શકે છે. સ્ત્રીબીજ વહેલું મોડું છૂટું પડે તેવા કિસ્સામાં માસિક પણ અનિયમિત આવે છે. સામાન્ય રીતે માસિક ૩-૪ દિવસ સુધી ચાલે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઓછા કે વધુ દિવસ પણ આવી શકે છે. મહદ્અંશે સ્તનવિકાસના પ્રારંભ બાદ બે વર્ષ પછી માસિક આવે છે. ભારતમાં પ્રથમ માસિક સ્રાવની સરેરાશ ઉંમર ૧૩.૭ વર્ષ છે જો કે સેક્સ અંગેની સજાગતા વધવા જેવાં કારણોસર ઉત્તરોત્તર આ ઉંમરમાં થોડો ઘટાડો થતો માલૂમ પડે છે. માસિક સ્રાવનું આ ચક્ર શરૂઆતમાં અનિયમિત હોય છે અને પાછળથી અનિયમિતતા ઘટીને નિયમિતતા વધતી માલૂમ પડે છે. માસિક ઓછું આવે કે વધુ આવે તો તેથી કોઈ ચિંતા કરવી જોઈએ નહિ. કોઈકને માસિક ઘણું ઓછું આવે અને એકબે દિવસ જ ચાલે તો કુપોષણ, ખૂબ ઓછું વજન, પાંડુરોગ, નબળાઈ જેવાં જવાબદાર કારણો દૂર કરવાં જોઈએ, નહિ તો તેવી સ્ત્રીની પ્રજનનક્ષમતા ઘટી જાય છે.

માસિક સમયે દુખાવો શાથી થાય છે ? તેનો કોઈ ઉપાય ખરો ?

માસિક આવવાના પહેલા દિવસથી ગણીએ તો ૧૪મા દિવસે સ્ત્રીબીજ અંડાશયમાંથી છૂટું પડીને સ્ત્રીબીજ નલિકા મારફતે ગર્ભાશય તરફ આવે છે અને બે દિવસ જીવે છે તે દરમ્યાન એટલે માસિક ચક્ર નિયમિત હોય તેવી સ્ત્રીઓમાં માસિક શરૂ થયાના ૧૨ થી ૧૮ દિવસમાં પુરુષ સાથે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી શકે છે. પરંતુ ગર્ભાધાન ન થાય તો ગર્ભાશયમાં ગર્ભને પોષવા માટે તૈયાર થયેલ દીવાલ પછીના દિવસોમાં ધીમે ધીમે સંકોચાય છે તેમજ પહોળી થાય છે. માસિક સ્રાવ સમયે ગર્ભાશયની અંદર માસિકનું જે પ્રવાહી એકઠું થાય છે તેને બહાર કાઢવા માટે અને ગર્ભાશયનું મોં ખોલવા માટે ગર્ભાશયના સ્નાયુઓનું વારંવાર સંકોચન થવાથી તેની સાથે જોડાયેલા કમર અને પેડુની નસો ખેંચાય છે; તેનાથી માસિક સમયે દુખાવો થાય છે. કેટલાકને વધુ પડતો દુખાવો હોય છે જે માટે માસિક વખતે માનસિક ચિંતા, તાણ, થાક, અશક્તિ જેવાં કારણો કે ગર્ભાશયમાં ગાંઠ, ગર્ભાશય અને પેડુ કે બીજા અવયવોમાં કોઈ ચેપ લાગુ પડ્યો હોય, ગર્ભાશયનું મુખ નાનું-સાંકડું હોવું, લોહીની ફીકાશ – પાંડુ રોગ જેવાં વિવિધ કારણો જવાબદાર હોય છે. આ માટે કેટલાક નીવડેલા ઘરગથ્થુ ઉપાય પણ ઘણા કરે છે, જોકે સામાન્ય દુખાવો હોય તો એની મેળે મટી જાય છે. વધુ દુખાવો હોય તો પેરાસીટામોલની ગોળી લેવાથી રાહત અનુભવી શકાય છે. દુખાવો વધુ લાગતો હોય તો ગરમ પાણીનો શેક પથારીમાં સૂઈને પેટ અને પેડુના ભાગ પર ગરમ પાણીની થેલી કે કપડાંથી કરવાથી રાહત રહે છે. સામાન્ય દુખાવામાં તો ગરમ પાણીમાં પગ બોળીને બેસવાથી તથા ગરમ દૂધ કે ચા પીવાથી પણ સારું લાગે છે. માસિકના દિવસોમાં સામાન્ય રીતે સંપૂર્ણ આરામ કરવાની જરૂર નથી, તેથી તો ઊલટાનું માસિક દુખાવો વધી શકે છે. આવા દુખાવાના જ વિચાર કરવાથી દુખાવાની સમસ્યા વધી શકે છે એના બદલે ઘરનું હળવું કામકાજ કરવાથી, થોડું ચાલવાથી, હળવી કસરતો કરવાથી તથા મનગમતું સંગીત સાંભળવાથી પણ રાહત મળે છે.

માસિક અંગે સમજવા જેવી અને ધ્યાનમાં રાખવા જેવી બીજી કઈ બાબતો છે ?

  1. માસિક આવતાં પહેલાં કેટલીક બહેનોને થોડું શરીર ધોવાય છે, જે સામાન્ય બાબત હોઈ તે અંગે ચિંતા ક૨વી જોઈએ નહિ.
  2. માસિક આવતાં પહેલાં થોડા ભારે ભારે અને ભર્યા ભર્યાનો અનુભવ થાય તો તે ચિંતાજનક નથી.
  3. માસિક દરમ્યાન ઘરનું અને બહારનું સામાન્ય કામકાજ કરી શકાય છે, બાકી થાક કે નબળાઈ અનુભવાય તો આરામ કરવો જોઈએ, પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ.
  4. માસિક દરમ્યાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે નહિ તો ચેપ લાગી શકે છે. માસિક દરમ્યાન વપરાયેલ કપડાં સાબુદઈને ધોઈને તડકે સૂકવવાં જેથી જંતુમુક્ત બને.
  5. માસિક સ્રાવ ગર્ભાશયના મુખમાંથી યોનિ માર્ગ દ્વારા બહાર આવે છે જે સંભોગ માટેનો પણ માર્ગ છે.
  6. સ્ત્રીનાં બાહ્ય પ્રજનનઅંગોમાં ઉપરની બાજુ આવેલ યોનિલિંગ છે જે શિથ્રિકા (ક્લીટોરીસ) તરીકે પણ ઓળખાય છે જે ખૂબ જ સંવેદનશીલ અંગ છે અને જેના ઘર્ષણથી જાતીય આનંદ વધુ અનુભવાય છે. તેની નીચે મધ્યથી થોડું ઊંચે મૂત્રદ્વાર અને તેની નીચે યોનિદ્વાર આવેલું હોય છે. બાહ્ય ગુપ્તાંગ ચામડીના બે પડનું બનેલું હોય છે. આ બે પડ એટલે બાહ્ય હોઠ અને અંતઃ હોઠ. તે બન્ને યોનિ લિંગ (ક્લીટોરીસ), મૂત્રમાર્ગ અને યોનિદ્વા૨ એ ત્રણે પ્રજનનઅંગોનું રક્ષણ કરે છે.
  7. માસિક દરમ્યાન બાહ્ય અને અંદરના પ્રજનન અવયવો બરાબર રીતે સાફ થાય તે રીતે નિયમિત સ્નાન કરવું.
Tags