Type Here to Get Search Results !

એસ.ટી.ડી. એટલે જાતીય સંબંધથી ફેલાતા રોગો શું છે ? કયા છે અને કેવી રીતે ફેલાય છે ?

એસ.ટી.ડી. (સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીસ) એટલે જાતીય સંબંધથી ફેલાતા રોગો શું છે ? કયા છે અને કેવી રીતે ફેલાય છે ?

જાતીય સમાગમ કરવાથી એક ચેપી વ્યક્તિ દ્વારા અન્ય તંદુરસ્ત વ્યક્તિને ચેપ લાગે અને તેનો ફેલાવો થતો રહે તેવા રોગોને એસ.ટી.ડી. કહે છે. આ રોગોનાં લક્ષણો અને ચિહ્નો ગુપ્ત અંગો સાથે સંકળાયેલાં હોઈ તથા આવા જાતીય સંસર્ગથી થતા રોગોને લોકો ગુપ્ત રાખતા હોઈ તે ગુપ્ત રોગો તરીકે પણ ઓળખાય છે.

જાતીય સંબંધથી ફેલાતા સામાન્ય અને ગંભીર રોગોમાં (૧) ગોનોરીયા (૫મિઓ) (૨) સીફીલીસ (ચાંદી) (૩) ક્લેમેડીયા (૪) શેન્ક્રોઈડ (પ) ગુપ્તાંગ પર હર્પીસ નો સમાવેશ કરી શકાય.

જાતીય સંબંધ દ્વારા ફેલાતા રોગો, સામાન્ય રીતે સૂક્ષ્મ જીવાણુઓ/વિષાણુઓ દ્વારા ફેલાય છે. પ્રત્યેક રોગ તે માટે જવાબદાર એવા અલગ અલગ જીવાણુઓ વિષાણુઓથી થાય છે. આ જાતીય સંપર્કથી ફેલાતા રોગો માટે તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.

એસ.ટી.ડી. એટલે જાતીય સંબંધથી ફેલાતા રોગો શું છે ? કયા છે અને કેવી રીતે ફેલાય છે ?

ભારતમાં એસ.ટી.ડી. (ગુપ્ત રોગો)નો વ્યાપ કેટલો છે ?

આપણા દેશમાં દર વર્ષે ૪ કરોડ વ્યક્તિઓને એસ.ટી.ડી. નો ચેપ લાગવાનો એક અંદાજ છે. અંદાજે દ૨ ૨૫ વ્યક્તિઓએ એક વ્યક્તિને આવો ચેપ લાગેલો હોય છે અને તેનું પ્રમાણ મોટેરાં કરતાં યુવા વર્ગમાં વધારે હોય છે.

એસ.ટી.ડી.નું પ્રમાણ યુવાન જૂથોમાં કેમ વધુ માલૂમ પડે છે ?

આ માટે સમવયસ્ક મિત્રોનું દબાણ અને લગ્ન પહેલાં જાતીય સંબંધ અંગેની ઇતેજારી, તીવ્ર જાતીય આવેગ, મોડી ઊંમરે લગ્ન તથા જાતીય આવેગ સંતોષવા માટે મળી રહેતા ભાગીદારો જેવાં કારણો જવાબદાર છે.

એસ.ટી.ડી.ની અસર શરીરના કયા ભાગો ઉપર થાય છે અને તેનાં કેવાં પરિણામ આવી શકે છે ?

સ્ત્રીઓમાં ખાસ કરીને યોનિનો બાહ્ય ભાગ, યોનિમાર્ગ, ગર્ભાશયનું મુખ, સ્તનની ડીંટડી, મોંની અંદરનો ભાગ, ગુદાની બહાર અને અંદરનો ભાગ અને હાથની આંગળીઓમાં એસ.ટી.ડી.ની અસર થાય છે.

પુરુષોમાં ખાસ કરીને શિશ્ન, વૃષણ થેલી, મોંની અંદરનો ભાગ, ગુદાની અંદરનો અને બહારનો ભાગ અને હાથની આંગળીઓમાં એસ.ટી,ડી.ની અસર વર્તાય છે.

સીફીલીસ સિવાયનાં તમામ ગુપ્તાંગોના રોગોમાં બહુ જ દુખાવો થાય છે અને સારવાર ન કરાવવામાં આવે તો રોગ વધી જાય છે, જેથી વાંઝિયાપણું (વંધ્યત્વ) આવે, શારીરિક અપંગતા આવે, પેશાબ અટકી જાય, ગર્ભમાં રહેલ શિશુમાં ખોડખાંપણ આવે, કમળો થાય, અંધાપો આવે, કસુવાવડ થાય, બાળક મરેલું જન્મે, આ ઉપરાંત માનસિક અને સામાજિક ખરાબ અસરો પણ થાય છે. જ્યારે સીફીલીસના રોગમાં લકવો, ગાંડપણ અને હૃદયરોગ થઈ શકે છે.

શું એસ.ટી.ડી.(ગુપ્ત રોગો)થી બચી શકાય ?

હા, આ માટેનો શ્રેષ્ઠ ઉપાય તે સુરક્ષિત જાતીય સંબંધ છે. આ માટે (૧) લગ્ન પહેલાંના જાતીય સંબંધ ન રાખવા. (૨) લગ્ન બહારના જાતીય સંબંધથી દૂર રહેવું. (૩) સમલૈંગિક જાતીય સંબંધ ન રાખવા. (૪) પરસ્પર વફાદાર એવા એક જ બિનચેપી જીવનસાથી સાથે જાતીય સંબંધ રાખવો. (૫) સમજદારી કેળવીને નિરોધનો ઉપયોગ કરવો અને (૬) વ્યક્તિગત સ્વચ્છતા અને તેમાંયે ગુપ્તાંગોની કાળજીપૂર્વકની નિયમિત સ્વચ્છતા રાખવી જેમાં સ્ત્રીનાં જનનાંગો અને પુરુષોના શિશ્નમણિ પાછળ રહેલા સ્મેગ્મા (જામી ગયેલ સફેદ પદાર્થ) દરરોજ સ્નાન કરતી વખતે સાબુથી અને પૂરતા પાણીથી ધોવા. (૭) એસ. ટી. ડી. અને પ્રજનન-અંગો અંગે વૈજ્ઞાનિક માહિતી અને જ્ઞાન મેળવવાં અને જરૂર પડે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી મનમાં ઊભી થતી દ્વિધા કે સમસ્યાનું સમાધાન કરવું.

Tags