Type Here to Get Search Results !

એઈડ્સ એટલે શું ? એચ.આઈ.વી. શું છે ? વીન્ડો પિરીઅડ, લક્ષણો, કેવી રીતે ફેલાય છે ? કેવી રીતે અટકાવી શકાય ?

એસ.ટી.ડી (સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ) રોગ માં નો  HIV/ AIDS  વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જોકે એચ.આઈ.વી (HIV) શું છે,  AIDS શું છે, HIV નો ચેપ કેવી રીતે લાગે છે,  એચ આઈ વી ના લક્ષણો શું છે,  એચ.આઈ.વી ની સારવાર ઉપલબ્ધ છે?, એચઆઇવીનો વિન્ડો પિરિયડ કેટલો છે એટલે કે જો આજે એચ.આઈ.વી.નું ઇન્ફેક્શન લાગ્યું હોય અને  રોગ થયા વચ્ચેનો સમયગાળો કેટલો છે, એચઆઇવી વાળી માતા બાળકને જન્મ આપે તો તેમને HIV આવી શકે?,  એચઆઇવી અને એઇડ્સ રોગથી કેવી રીતે બચી શકાય?, જેવી તમામ માહિતી આ આર્ટીકલમાં જણાવેલ છે.

એઈડ્સ એટલે શું ? એચ.આઈ.વી. શું છે ? વીન્ડો પિરીઅડ, લક્ષણો,  કેવી રીતે ફેલાય છે ? કેવી રીતે અટકાવી શકાય ?
એચ.આઈ.વી. / એઈડ્સ

એઈડ્સ એટલે શું ?

એઈડ્સ એટલે માનવીની રોગપ્રતિકારક શક્તિનો હ્રાસ કરતાં વિષાણુઓ શરીરમાં પ્રવેશીને ધીમે ધીમે માનવીની કુદરતી પ્રતિકાર શક્તિ એટલી હદે ઘટાડે છે કે શરીર સામાન્ય રોગના જીવાણુઓનો પણ સામનો કરી શકતું નથી અને અનેક રોગોના સમૂહથી ઘેરાઈ જાય છે. અંગ્રેજીમાં આ પરિસ્થિતિને એઈડ્સ એટલે એક્વાયર્ડ (મેળવેલું) ઈમ્યુનો (રોગપ્રતિકારક શક્તિની) ડેફીસીઅન્સી (ઊણપથી) સીન્ડ્રોમ (ચિહ્નો અને લક્ષણો) કહે છે.

એચ.આઈ.વી. શું છે ?

એચ.આઈ.વી. એટલે હ્યુમન ઈમ્યુન ડેફીસીયન્સી વાયરસ એટલે કે માનવીય રોગપ્રતિકારક શક્તિની ઊણપ નિપજાવતા વિષાણુઓ (વાય૨સ) કે જેનો ચેપ લાગવાથી એઈડ્સ નામનો જીવલેણ રોગ થાય છે.

એચ.આઈ.વી.નો ચેપ લાગ્યા પછી એઈડ્સનો રોગ થતાં કેટલો સમય લાગે છે ?

આ સમયગાળો વ્યક્તિ વ્યક્તિએ જુદો હોય છે. જેમનામાં એચ.આઈ.વી.ના વિષાણુઓનો ચેપ લાગેલો જોવા મળે છે, તેમનામાંના ૫૦ ટકામાં એઈડ્સને વિકસવામાં એટલે એઈડ્સનો રોગ થવામાં સરેરાશ ૧૦ વર્ષનો સમય લાગે છે. પરંતુ જ્યાં સ્વાસ્થ્ય અને આહાર સંબંધી સ્થિતિ નબળી છે એટલે કે રોગ પ્રતિકાર શક્તિ પહેલેથી જ ઓછી છે તેવા જનસમૂહોમાં – જૂથોમાં એઈડ્સ ઝડપથી થઈ શકે છે.

સામાન્ય રીતે માનવ શરીરમાં એચ.આઈ.વી.નો ચેપ લાગ્યા પછી એચ.આઈ.વી. એન્ટીબોડિઝની હાજરી દેખાવામાં ૩ માસ જેટલો સમય લાગે છે. જો કે આ ગાળો જૂજ કેસમાં ૩ માસ કરતાં પણ લાંબો હોઈ શકે છે.

એચ.આઈ.વી. નો વીન્ડો પિરીઅડ શું છે ?

એચ.આઈ.વી.નો ચેપ લાગ્યા પછી માપી શકાય તેટલા જથ્થામાં એન્ટીબોડિ પેદા કરવા માટે શરીર દ્વારા જે સમય લાગે છે તેને ‘બારી સમયગાળો' કહેવાય છે, અને તે સમયગાળા દરમ્યાન ચેપ લાગ્યો હોવા છતાં પરિણામ નેગેટિવ (નકારાત્મક) આવે છે, અને તેથી ત્રણેક માસ પછી ફરી પરીક્ષણ કરવાથી પરિણામ ખરેખર હકારાત્મક છે. કે નકારાત્મક તે જાણી શકાય છે. જો હકારાત્મક (પોઝિટિવ) આવે તો ચેપ લાગેલ છે. એમ જાણી શકાય છે.

એચ.આઈ.વી.ના ચેપ લાગેલ હોય તેવી સગર્ભા સ્ત્રીના બાળકને પણ ચેપ લાગે છે ખરો ?

એચ.આઈ.વી.નો ચેપ લાગેલ સગર્ભા માતા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે જન્મનાર બાળકને પણ ચેપ લાગેલો હોય તેવી શક્યતા છે. જો કે આ પ્રમાણ ૩૦ થી ૫૦ ટકા જેટલું છે. અને એચ.આઈ.વી. ચેપ યુક્ત જન્મેલા બાળકને એક વર્ષ દરમ્યાન એઈડ્સ થઈ શકે છે.

એઈડ્સ ના લક્ષણો

એઈડ્સનાં મુખ્ય લક્ષણોમાં શરીરનું વજન સતત ઘટતું (૧૦%) રહે, સતત એક મહિના કરતાં વધુ તાવ રહે, એક મહિના કરતાં વધુ સમય સુધી ઝાડાનો સમાવેશ થાય છે. ગૌણ લક્ષણોમાં એક મહિના જેટલા સમય માટે વધુ પડતી ખાંસી કે કફ, તીવ્ર અને વારંવાર થતા ત્વચાના રોગો, ગળાT – બગલની અને સાથળની લસિકાગ્રંથિઓ મોટી થઈ જાય વગેરે છે. જો કે આવાં લક્ષણો જોઈને એઈડ્સનું નિદાન કરવું મુશ્કેલ છે અને તેથી આ બાબત વધુ સાવચેતી અને ચોક્સાઈ માગી લે છે.

એચ.આઈ.વી. વાયરસનો ચેપ લાગેલ છે કે નહિ તે જાણવા અંગેની કોઈ કસોટીઓ (ટેસ્ટ્સ) ઉપલબ્ધ છે ?

હા. પ્રથમ એલીસા ટેસ્ટ અને તે પોઝિટિવ (હકારાત્મક) આવે તો વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરાય છે. બાકી સ્પોટ ટેસ્ટ તો ફક્ત ૧૦ મિનિટમાં થાય છે.

એઈડ્સ રોગ કેવી રીતે ફેલાય છે ?

સામાન્ય રીતે એચ.આઈ.વી. વિષાણુઓના ચેપ લાગ્યો હોય તે વ્યક્તિને માસથી માંડીને ૧૫ વર્ષ સુધીના સમયગાળામાં એઈડ્સનો રોગ થાય છે, તે મુખ્ય ચાર રીતે ફેલાય છે. એઈડ્સ થવા માટે દરેક રીત (કારણ) કેટલા પ્રમાણમાં (કેટલા ટકા) જવાબદાર છે તે જાણવા હાથ ધરાયેલ એક અભ્યાસ પરથી કઈ રીતથી કેટલા ટકા એઈડ્સના કેસીસ થાય છે તેની માહિતી – ટકાવારી કૌંસમાં જણાવેલ છે.

  1. એચ.આઈ.વી. ચેપ લાગેલ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) સાથે જાતીય સમાગમ કરવાથી (80%).
  2. એચ.આઈ.વી. ચેપયુક્ત વ્યક્તિનું લોહી લેવાથી (12%).
  3. એચ.આઈ.વી. ચેપવાળા જંતુરહિત કર્યા વગરનાં સોય અને સીરીંજ અને સર્જિકલ સાધનોના ઉપયોગથી (6.5%).
  4. એચ.આઈ.વી. ચેપ લાગેલ સ્ત્રી દ્વારા ગર્ભમાં રહેલ શિશુને જન્મજાત ચેપ લાગવાની શક્યતા (1.5%) હોય છે.

એઈડ્સનો થતો-ફેલાવો કેવી રીતે અટકાવી શકાય ?

એઈડ્સ, એચ.આઈ.વી. નામના વિષાણુઓથી થાય છે. તેથી એઈડ્સથી બચવા એઈડ્સને અટકાવવા એચ.આઈ.વી. ચેપથી બચવું જોઈએ જેના ચાર સલામત માર્ગ છે.

સલામત સેક્સ : એક જ ચેપમુક્ત વફાદાર સાથી સાથે જાતીય સમાગમ. કોઈ પણ જાતીય રોગની જાણ અને નિદાન થાય તો વિના વિલંબે સારવાર કરાવવી કારણ કે તો એઈડ્સ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. જોખમી જૂથો અને અજાણી વ્યક્તિ સાથે જાતીય સમાગમ કદી નહિ કરવો અને જરૂર પડે ઉચ્ચજાતના નિરોધનો સમજપૂર્વકનો ઉપયોગ કરવો.

સલામત લોહી : જરૂર પડે તો એચ.આઈ.વી. ચેપ રહિત લોહી ખાતરી કરીને જ ઉપયોગમાં લેવું, ધંધાદારી રક્તદાતા કે જોખમી જૂથવાળી વ્યક્તિનું લોહી લેવાનું ટાળવું. અન્યએ વાપરેલ બ્લેડ, રેઝર, શાક સમારવાનું ચપ્પુ જેવા લોહીના સંપર્કમાં આવે તેવાં સાધનોનો ઉપયોગ ટાળવો અને છૂંદણાં ટાંકવા માટેની સોય, ટૂથબ્રશ, ઊલિયું વગેરે અન્યએ વાપરેલાં સાધનો જંતુરહિત કર્યા સિવાય ન વાપરવાં.

સલામત સોય, સીરીંજ ઇત્યાદિ : વપરાયેલાં સોય સીરીંજ વગેરે સાધનોને જંતુમુક્ત કરીને ઉપયોગ કરવો કે ડીસ્પોઝેબલ સોય સીરીંજનો ઉપયોગ કરવો. શક્ય હોય ત્યાં સુધી ઇન્જેક્શનો લેવાનું ટાળવું અને તેને બદલે ટેબલેટ્સ કે પ્રવાહી દવા લેવી.

સલામત માતૃત્વ : એચ.આઈ.વી. ચેપ લાગેલ કે એઈડ્સના દર્દીએ જાતીય સમાગમ ન કરવો અને તેવી સ્ત્રીએ સગર્ભા ન થવું, નિરોધ વાપરવું, ગર્ભ રહી જાય તો ગર્ભપાત કરાવવો જેથી જન્મનાર શિશુને એચ.આઈ.વી. નો ચેપ ન લાગે.

મચ્છર કરડવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે ?

અભ્યાસથી માલૂમ પડેલ છે કે એચ.આઈ.વી. વિષાણુઓ મચ્છરના શરીરમાં જીવી રાકતા નથી, તેથી મચ્છર કરડવાથી એચ.આઈ.વી. ચેપ લાગવાની શક્યતા રહેતી નથી.

Tags