![]() |
ઘેલુભાઇ નાયક |
આ ઉપરાંત તેમણે અનેક વખત ગાયનેક તરીકે ફરજ પણ બજાવી હતી તેમજ જન્મનારા બાળકોના નામ પણ તેઓ રાખતા હતા.
ઘેલુભાઇ નાયક અને છોટુભાઇ નાયક બંને ભાઇઓના માર્ગદર્શક સમાજસેવક જુગતરામ દવે રહ્યા હતા.
વર્ષ 1948 માં સરદાર પટેલના કહેવાથી બંને ભાઇઓ સર્વોદય કાર્યકર્તા તરીકે ડાંગ ગયા અને ત્યા ચુનીલાલ વૈધના સહયોગથી આદિવાસીઓમાં શિક્ષણ અને સામાજિક પરિવર્તન માટે ડાંગના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી હતી.
વર્ષ 1949 માં જલીબેલ (ડાંગ) ખાતે પ્રથમ આશ્રમશાળાની સ્થાપનામાં તેમણે સહયોગ આપ્યો હતો. ત્યારબાદ આદિવાસી વિસ્તારોમાં 100 કરતા વધુ આશ્રમ શાળાઓ સ્થપાઇ. જેમા 15000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ વર્તમાનમાં અભ્યાસ કરે છે.
ડાંગના ગાંધી તરીકે જાણીતા ઘેલુભાઇ નાયકનું નિધન 16 જાન્યુઆરી 2015 ના રોજ આહવા (ડાંગ) ખાતે થયુ હતું.
તેમનો જન્મ 19 જુન 1924 ના રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ખાતે થયો હતો.
11 વર્ષની વયે પ્રથમ વખત તેઓ મહાત્મા ગાંધીની અમલસાડની રેટિયાવાળા શાળામાં મળ્યા હતા અને ત્યારથી જ તેઓ લોકકલ્યાણ ક્ષેત્રે આકર્ષિત થયા હતા.
વર્ષ 1958 માં તેમણે ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સ-મુંબઇમાં સમાજસેવામાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. ટાટા ઇન્સ્ટિટયૂટમાં ખીરો બજેટથી ગામડાના વિકાસનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ત્યાર બાદ તરત જ તેમને સમાજકલ્યાણ ખાતાના ડિરેક્ટર તરીકે નિમણૂકનો પત્ર મળ્યો પરંતુ આ પત્રને તેમણે ઠુકરાવી દીધો હતો.
તેમણે આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ અટકાવવા મિશનરીઓનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે સમાજમાં વ્યાપ્ત દહેજપ્રથા જેવા દુષણોનો પણ વિરોશ કર્યો હતો.
ગુજરાતના ક્રાંતિકારી અને ગાંધીવાદી નેતા તરીકે તેમણે મહાગુજરાત આંદોલન (8 ઓગષ્ટ 1956 , 1 મે 1960) વખતે જ્યારે જવાહરલાલ નેહરૂ વ્યક્તિગત રીતે ડાંગને મહારાષ્ટ્રમાં ભેળવવા તૈયાર હતા ત્યારે નેહરૂના નિર્ણયનો વિરોધ કરવા બંને ભાઇઓએ સંખ્યાબંધ્ધ પ્રયત્નો કર્યા અને ડાંગ જિલ્લાને મહારાષ્ટ્રમાં ભળી જતા રોકવામાંં તેમણે ઉલ્લેખનીય ફાળો આપ્યો હતો.
તેમણે શિક્ષણ પુસ્તિકાઓ, મહાનિબંધો અને જુદા જુદા સામયિકોમાં લેખો પ્રકાશિત કરવામાં માર્ગદર્શકની ભુમિકા ભજવી હતી, તેમજ આકાશવાણીમાં પણ ડાંંગના પત્ર પ્રસારિત કરતા રહ્યા હતા.
તેઓ ડાંગ આશ્રમના ટ્રસ્ટી તરીકે ઉપરાંત સરકારી-બિનસરકારી 18 કેટલી કમિટી તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.
ડાંગ જિલ્લામાં આદિવાસીઓની સેવાની કદરરૂપે તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ એનાયત થયા હતા જેમાં વર્ષ 1988 માં રાજ્યના ઉત્તમ જિલ્લા નિયોજકનો એવોર્ડ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના હસ્તે, ગાંધીનગર ખાતે પત્રકારત્વની કામગીરીનો એવોર્ડ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાના હસ્તે, વર્ષ 1998 માં યુનેસ્કો તરફથી ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ, રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે દિલ્હીમાં ખાસ સન્માન અને વર્ષ 1999 માં ગુજરત વિદ્યાપીઠ તરફથી તેમને "ગ્રામસેવા પુરસ્કાર" એનાયત થયો હતો.