Type Here to Get Search Results !

નેટ ઝીરો કેટલા અંશે વ્યાવહારિક અને ભારતનું વલણ

વિશ્વ ટેકનોલોજીની સદી ગણાતી 21મી સદીના પૂર્વાર્ધના પ્રથમ ભાગના અંત તરફ આગળ વધી રહી છે, ત્યારે વિશ્વએ કોરોના મહામારી, પર્યાવરણીય અસંતુલન, કેટલાક દેશોમાં ગૃહયુદ્ધ વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જેમાં સૌથી મહત્ત્વની બાબત છે, આર્થિક સ્વાર્થને કારણે પર્યાવરણીય તથા કુદરતી ખલેલ. વિશ્વના પર્યાવરણમાં થયેલા બદલાવો. આ બાબતે સ્વીડિશ પર્યાવરણીય કર્મશીલ ગ્રેટા થનબર્ગ વિશ્વના નેતાઓને જવાબદાર ગણાવે છે, જે યોગ્ય પણ છે. હવે વિશ્વ પાંચમી ઔદ્યોગિક ક્રાંતિના દ્વારે આવી પર્યાવરણ બચાવવા માટે વિચારતું થયું છે, જેમાંનો એક વિચાર એટલે નેટ ઝીરો.

નેટ ઝીરો વિશે સંપુર્ણ માહિતી, અર્થ, જરૂરિયાત
નેટ ઝીરો વિશે સંપુર્ણ માહિતી

નેટ ઝીરોનો અર્થ

વિકસિત કે વિકાસશીલ દેશોમાં કાર્યરત્ ઔદ્યોગિક એકમોને કારણે પૃથ્વીના વાતાવરણમાં સલ્ફર, કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા પ્રદૂષકો ફેલાય છે. જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાનો જન્મ થાય છે. આમ, જે દેશ જેટલા પ્રમાણમાં પ્રદૂષકો ફેલાવે તેટલા જ પ્રમાણમાં તે પ્રદૂષકો વાતાવરણમાંથી પરત લેવાની પણ વ્યવસ્થા કરે, તો તેને સામાન્ય શબ્દોમાં નેટ ઝીરો કહેવામાં આવે છે.

નેટ ઝીરોની જરૂરિયાત

વર્ષ 2017માં થયેલા એક અભ્યાસ મુજબ વર્ષ 2010માં ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે 1.25 મિલિયન લોકોના મૃત્યુ થયા, જયારે UKમાં તે આંકડો 23 હજાર જેટલો હતો. ઉપરાંત અભ્યાસના તારણ અનુસાર, દરેક ટ્રિલિયન ટન CO2 ઉત્પન્ન થવાથી જે-તે દેશની GDPમાં 0.5%નો ઘટાડો જોવા મળે છે. તેથી આવનારા વર્ષોમાં ગ્રીન હાઉસ ગેસો (GHG)ના ઉત્પાદનમાં ઘટાડો થશે નહિ તો ઘણા નવા રોગોનો જન્મ થશે, જેથી માનવ મૂડીનું પણ નુકસાન થશે. તેથી નેટ ઝીરોની તાતી જરૂરિયાત છે. વિકસિત દેશોને પ્રદૂષણ ઘટાડવા અંગે કાનૂની રીતે બાધ્ય કરવા વર્ષ 1997માં જાપાનના ક્યોટો શહેર ખાતે એક પ્રોટોકોલ સ્વીકારવામાં આવ્યો હતો. જેને ક્યોટો પ્રોટોકોલ કહે છે. ત્યારબાદ સમયાંતરે યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ની બેઠક યોજાતી રહે છે. UNFCCCની એક બેઠક વર્ષ 2015માં પેરિસ ખાતે યોજાઈ હતી. જેમાં પેરિસ કરાર સ્વીકારવામાં આવ્યો હતો. જેમાં વિશ્વના દેશોએ વૈશ્વિક તાપમાન 1.5 Cથી વધે નહિ તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

નેટ ઝીરોની વ્યાવહારિકતા કેટલી ?

નેટ ઝીરો એ જરૂરિયાત છે પણ તે વ્યવહારમાં થોડું કઠિન કામ છે. કારણ કે વિકસિત દેશોએ ઔદ્યોગિક ક્રાંતિના નામે કાર્બન પ્રદૂષણ ખૂબ ફેલાવ્યું જયારે તે કામ હવે વિકાસશીલ દેશો કરી રહ્યા છે. વિશ્વમાં કાર્બન ઉત્સર્જન મામલે 27.2% સાથે ચીને પ્રથમ ક્રમે, 14.6% સાથે સંયુક્ત રાજય અમેરિકા બીજા ક્રમે જયારે 6.8% સાથે ભારત ત્રીજા ક્રમે છે. ચીન એક ઔઘોગિક હબ બની ગયું છે. તેથી ત્યાં કોઈપણ પ્રકારે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાય તેવું જણાતું નથી. ઉપરાંત બીજા યુરોપિયન દેશોએ પોતાના માટે કંઈને કંઈ લક્ષ્યાંકો રાખ્યા છે પરંતુ તે પણ વ્યવહારું જણાતા નથી. જેમકે અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં 50%, GHG ધટાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તે વર્ષ 2005માં રહેલા GIના સ્તરની સરખામણીએ છે. જયારે યુરોપિયન યુનિયને પણ પોતાનો પ્લાન ‘fit for 55' તમામ સભ્ય દેશોને લાગુ કરવા દિશાનિર્દેશ. આપ્યા છે, જયારે ન્યૂઝીલેન્ડે વર્ષ 2050 અને ચીને વર્ષ 2060 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યાંકો રાખ્યા છે. પરંતુ વધતા ઔદ્યોગિક એકમો અને યાતાયાતને સાધનોમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ વધતા નેટ ઝીરો વર્તમાનમાં તો વ્યવહારું દશ્યમાન થતું નથી.

ભારત અને નેટ ઝીરો

તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી COP26 બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ‘પંચામૃત પ્લાન રજૂ કર્યો હતો. જેમાં ભારતના કાર્બન ઉત્સર્જન અંગેના પાંચ સંકલ્પ છે, જેમકે

  • ભારત વર્ષ 2020 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યાંક સુધી પહોંચી જશે.
  • વર્ષ 2030 સુધીમાં ભારત ઊર્જા જરૂરિયાતના 50% પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરશે.
  • ભારત વર્ષ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘંટાડશે.
  • ભારત કાર્બન ઉત્સર્જનની તીવ્રતા પણ GDPના 45%થી પ્રતિ એકમ ઓછી કરશે.
  • ભારત વર્ષ 2030માં 500 GW પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રાપ્ત કરશે.

આ અંગે COP26ને સંબોધતા ભારતના વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘ભારત કાર્બન ઉત્સર્જનના ઘટાડી માટે પ્રતિબદ્ધ છે તથા દેશમાં અશ્મિભૂત ઇંધણના વપરાશમાં તબક્કાવાર ઘટાડો કરશે.’ ભારત એક વધુ વસતી ધરાવતો વિકાસશીલ દેશ છે, જયાં ઔદ્યોગિક એકમો ચલાવવા તથા સામાન્ય વપરાશ હેતુ ઊર્જાની તાતી જરૂરિયાત છે. તેથી આવશ્યક ઊર્જાની પૂર્તિ માટે કોલસાનું દહન એ ભારતની મજબૂરી છે કારણ કે ભારત જેવા વિકાસશીલ દેશ માટે આર્થિક વિકાસ પણ આવશ્યક છે. તેથી ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત ભલે કાર્બન ઉત્સર્જનમાં વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હોય પરંતુ પ્રતિવ્યક્તિ કાર્બન ઉત્સર્જનમાં ભારતનું સ્થાન સકારાત્મક છે. જે યુનાઈટેડ નેશન્સના અહેવાલ અનુસાર, વૈશ્વિક સરેરાશની સાપેક્ષ 60થી પણ ઓછું છે. ભારતે પેરિસ કરાર તથા નેટ ઝીરોની દિશામાં આગળ વધતા કેટલાક પગલાંઓ પણ લીધેલાં છે જેમકે,

  • BS-VI ધોરણો : યાતાયાત થકી વાયુ પ્રદૂષણે ઘટાડવા માટે ભારત ભારત સ્ટેજ-5 (BS-VI) ધોરણો લાગુ કર્યા છે.
  • નેશનલ સોલર મિશન : ભારતની ઊર્જા જરૂરિયાતને પહોચી વળવા ભારત સરકારે નેશનલ સોલર મિશન લૉન્ચ કર્યું છે. ઉપરાંત સૌર ઊર્જાના ક્ષેત્રમાં આગળ વધવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) વિચાર વહેતો કર્યો હતો, જે એક સફળ સંગઠન બન્યું છે.
  • નેશનલ વિન્ડ સોલર હાઈબ્રિડ પોલિસી 2018 : પવન અને સૌર ઊર્જા અંગે એક ખાસ ફ્રેમવર્ક પૂરું પાડવા ભારત સરકારે ઉપર્યુક્ત નીતિ પણ લૉન્ચ કરી છે.
  • આમ, ઉપર્યુક્ત બાબતો પરથી સ્પષ્ટ કહી શકાય કે ભારત એક જવાબદાર રાષ્ટ્ર તરીકે પર્યાવરણ અંગે ચિંતિત છે અને તેની સામે લડવા કટિબદ્ધ છે.

સારાંશ

કાર્બન ઉત્સર્જન ઘટાડવું અને પર્યાવરણને માનવ અનુકૂળ બનાવવું તે તમામ દેશોની સહયારી જવાબદારી છે. તેથી ‘Common but differentiated responsibility'ના સિદ્ધાંત થકી વિકસિત અને વિકાસશીલ દેશો કાર્ય કરે તો જ ધરતી માતાને માનવીય પ્રદૂષણથી બચાવી શકીશું. દરેક દેશે તથા બધા લોકોએ તે ચોક્કસ યાદ રાખવું જોઈએ. “ધરતી માતા દરેકનું ઉદર ભરી શકે તેટલું અન્ન ચોક્કસ ઉત્પન્ન કરી શકે છે, દરેકની લાલચ પૂર્ણ કરી શકે તેટલું નહિ.'

Tags