Type Here to Get Search Results !

સગર્ભાવસ્થામાં ડૉક્ટર દ્રારા થતી તપાસનું મહત્વ

 સગર્ભાવસ્થા એ કોઇ રોગ નથી, તે એક સ્વયં સંચાલિત પ્રક્રિયા છે, તો પછી તેમાં ડૉક્ટરને વચ્ચે લાવવાની જરૂર શું ? આવો પ્રશ્ન કોઇ અલ્પજ્ઞાનીના મનમાં ઊભો થાય, તો જણાવવાનું કે, આ અવસ્થામાં ડૉકટરની મધ્યસ્થી અનેક રીતે સહાયભૂત અને ઉપકારક બને છે. એ કઇ રીતે ? આગળ વાંચો, જવાબ મળી રહેશે.

સગર્ભાવસ્થામાં ડૉક્ટર દ્રારા થતી તપાસનું મહત્વ

ગર્ભાધાનનો દિવસ

ડૉક્ટર દ્વારા થતી તપાસથી ગર્ભ હોવા વિશેની માન્યતાને સમર્થન મળે છે. ગર્ભાધાન ચોક્કસ ક્યા દિવસે થયું તે વિશેની જાણકારી પણ પ્રાપ્ત થાય છે. ગર્ભાધાનનો ચોક્કસ દિવસ એટલે, છેલ્લાં માસિકનો પહેલો દિવસ. આ દિવસ ઉપરથી ગણતરી કરી પ્રસૂતિ થવાની સંભવિત તારીખ ડૉક્ટર નક્કી કરી આપે છે.

પ્રસૂતિ થવાની સંભવિત તારીખ

છેલ્લા માસિકના પ્રથમ દિવસથી ગણતરી શરૂ કરી, પૂરા નવ અંગ્રેજી મહિના અને ઉપરાંતના સાત દિવસનો સમયગાળો (૨૮૦ દિવસ) એટલે ગર્ભાવસ્થાનો નિશ્ચિત સમયખંડ. આ અવધિ પૂરી થયા બાદ આવી પહોંચે બાળકના આગમનની છડી પોકારતી ઘડી.

પ્રસૂતિ થવાની અંદાજિત તારીખ સગર્ભા સ્વયં ગણતરી કરી મેળવી શકે છે. ઉદાહરણ લઇએ તોઃ

કોઇ મહિલાને છેલ્લું માસિક ૭ મી જાન્યુઆરીએ આવ્યું. આમ ૭ મી જાન્યુઆરી એટલે છેલ્લાં માસિકનો પ્રથમ દિવસ. ૭ મી જાન્યુઆરીમાં ૯ મહિના ઉમેરીએ એટલે આવે ૭ ઑક્ટોબર.

૭ મી ઑક્ટોબરમાં બીજા ૭ દિવસ ઉમેરી આગળ વધીએ એટલે આવે ૧૪મી ઑક્ટોબર.

આ ૧૪ મી ઑક્ટોબર એટલે પ્રસૂતિ થવાની સંભવિત તારીખ. જેને ડૉક્ટર અંગ્રેજી ટૂંકાક્ષરોમાં EDD કહે છે. EDD એટલે Expected Date of Delivery.

૮૦% પ્રસૂતિ સંભવિત તારીખથી થોડા દિવસ વહેલી અથવા મોડી થવાની સંભાવના હોય છે. પ્રથમ પ્રસૂતા-Primipara માં પ્રસૂતિ સંભવિત તારીખ વિતી ગયા પછી થાય છે. બહુપ્રસૂતા-Multipara માં અંદાજિત તારીખ કરતાં વહેલી થાય છે.

ગર્ભાવસ્થા પૂર્વેના રોગો

સગર્ભાના શરીરમાં કોઇ રોગ ગર્ભાધાન પહેલાં જ ઘર કરી બેઠો હોય એવું બને. ઉદાહરણ લઇએ તો; ટી.બી., ગુપ્તરોગ, ડાયાબિટીસ, બી.પી.,પાંડુરોગ, એઇડ્સ વગેરે. આવા રોગની ઉપસ્થિતિ ગર્ભના વિકાસમાં રોડાં નાખે અને ગર્ભને કુંઠિત પણ કરે. છુપા દુશ્મન જેવો આવો કોઇ રોગ હોય તો ડૉકટર તેને પકડી પાડે છે, તેની સારવાર કરે છે અને સગર્ભાવસ્થાને સલામત બનાવે છે.

સંભવિત રોગો

સગર્ભાવસ્થાની ઓથ લઇ કેટલાક ખુફિયા રોગો સગર્ભાના શરીરમાં ઘૂસણખોરી કરે છે. ઉદાહરણ લઇએ તો; લોહીનું ઊંચું દબાણ, એસિડિટી, પેશાબમાં ચેપ, પાંડુરોગ, પગ ઉપર આવતા સોજા, આંચકી આવવી વગેરે. આવા રોગોને ડૉકટર પહોંચી વળે છે.

વજન નોંધ

સગર્ભાવસ્થા દરમિયાન ૧૦ થી ૧૨ કિલો વજન વધે છે. વિસ્તારથી આંકડા માંડીએ તોઃ ગર્ભમાં ઊછરતા બાળકના વજન ઉપરાંત 

  • મેલી (પ્લેસેન્ટા)
  • ગર્ભનાળ
  • ગર્ભાશયનું વિસ્તારિત થતું કદ
  • માતાના લોહીમાં થતું આંશિક ઉમેરણ
  • સ્તનનો વિકાસ
  • પગ ઉપર આવતા થોડા ઘણા સોજા
  • સગર્ભાના શરીર પર પથરાતી ચરબીના થરનું વજન.
આ બધું મળી સરવાળે ૧૦ થી ૧૨ કિલો વજન વધે છે.

૧૨ કિલોથી વધારે વજન વધે તો ચેતવું. અને ૮ કિલોથી ઓછું વજન વધે તો એમ માનવાને કારણ મળે છે કે, ગર્ભાશયમાં વિકસતું બાળક સુકાય છે. વજન ઓછું વધવું એ ગંભીરતાસૂચક લક્ષણ ગણાય. આવું કળાય તો ડૉકટર અસરકારક ઈલાજો અપનાવે છે.

ધનુર અને T.dap રસીના ઇંજેકશન

સગર્ભાને જો ધનુરનો રોગ થાય તો, તેના અને તેના ગર્ભમાં વિકસતા બાળકના, એમ બે જીવ માથે મોત મંડરાય. આ અવસ્થામાં થતી કોઇ આકસ્મિક ઇજા અને પ્રસૂતિ દરમિયાન થતી સંભવિત નાની મોટી ઇજાઓથી પણ ધનુર થવાની સંભાવનાઓ હોય છે.

વળી, ઘરે કરવામાં આવતી સુવાવડમાં અણઘડ દાયણ દ્વારા છરી, ચપ્પુ, દાતરડું કે બ્લેડ જેવાં અશુદ્ધ સાધનોથી ગર્ભનાળ કાપવામાં આવે તો નવજાત બાળકને ધનુર ન થાય તો જ નવાઇ ! ઉપરોકત જોખમભર્યા પરિબળોને પ્રતાપે ઉદ્ભવતા, ધનુરના સંભવિત હુમલા સામે, ધનુરનાં ઇંજેક્શનો, માતા અને બાળક બંનેને ઢાલ બની રક્ષણ આપે છે !

સગર્ભાવસ્થા દરમિયાન ધનુરનાં બે ઇંજેકશનો, એક માસના અંતરે, આપવામાં આવે છે. ધનુરના ઇંજેક્શનોને T.T. કહે છે. આ વિષય ડૉકટરનો હોવાથી આપણે તે વિશે વિસ્તૃત જાણકારી મેળવવાનો મોહ જતો કરીશું. તોપણ એ જાણવું અગત્યનું બની રહેશે કે, સગર્ભાવસ્થાના આખરી દિવસોમાં, ૨૭થી ૩૬ અઠવાડિયાં દરમિયાન T.dap નામે ઓળખાતું ઇંજેક્શન આપવાનો નિર્દેશ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા કરવામાં આવે છે.

T.dap એટલે DTP-ત્રિગુણી રસીનું રૂપાંતરિત સ્વરૂપ. રોગ પ્રતિકારક રસી. T. dap જો સગર્ભાને આપવામાં આવે તો તેને ધનુરના રોગ સામે તો રક્ષણ મળે જ છે. તદંપરાંત ગર્ભસ્થ શિશુના શરીરમાં પણ ધનુર, ડિફઘેરિયા અને ખાસ કરીને ઉટાંટિયા જેવા રોગો સામે ઇમ્યુનિટી ( રોગપ્રતિકાર શક્તિ) ડેવલપ થાય છે. જે તેને જન્મબાદ પણ (દોઢ મહિને પંચગુણી રસી આપવામાં આવે ત્યાં સુધી) આ ત્રણે રોગો સામે રક્ષણ આપે છે.

બીજી સગર્ભાવસ્થા હોય કે ત્રીજી, દરેક વખતે આ રસી મુકાવવાની સલાહ આપવામાં આવે છે.

આને કહે છે એક પંથ દો કાજ. એટલે જ તો ઇંજેક્શનો મુકાવવાની આ વિધિનું મૂલ્ય સીમંતની વિધિનાં મૂલ્ય કરતાં જરા પણ ઓછું ન આંકવું.

ગર્ભનો વિકાસ અને વૃધ્ધિ

સગર્ભાવસ્થામાં ચડતાં જતાં અઠવાડિયાંઓનાં સમયની સમાંતરે, ગર્ભનો વિકાસ સપ્રમાણ થવો જોઇએ. સગર્ભાના વિસ્તરતા પેટ ઉપર હાથ વડે તપાસ કરીને કે સોનોગ્રાફી દ્વારા, ડૉક્ટર કે આરોગ્ય કર્મચારી તેની ખરાઇ કરી શકે છે. વિશિષ્ટ પ્રકારનાં ઉપકરણોની મદદથી બાળકના હૃદયના ધબકારાનો કીટ કીટ જેવો અવાજ સાંભળી તેની તંદુરસ્તીની જાણકારી મેળવી શકે છે.

ગર્ભાશયમાં ગર્ભની ગોઠવણ

દર ૧૦૦ માંથી ૯૫ કેસમાં, ગર્ભાશયમાં બાળકની સ્થિતિ, માથું નીચે અને પગ ઉપર (ઊંધા માથે) રહે તેવી હોય છે, ચિત્ર-૧, આવી ગોઠવણને Vortex Presentation કહે છે, જે નોર્મલ (સામાન્ય) ગણાય. આ સ્થિતિમાં પ્રકૃતિવેળાએ બાળકનું માથું પ્રથમ બહાર ડોકાય છે, જેમાં પ્રસૂતિ સરળતાથી નિર્વિઘ્ને પાર ઊતરવાની પૂરેપૂરી સંભાવના હોય છે.

દર ૧૦૦ માંથી ૩ થી ૪ કિસ્સામાં ગર્ભાશયમાં બાળકની ગોઠવણ ઊલટી હોય છે, ચિત્ર-૨. એટલે કે બાળકનું માથું ઉપર અને નિતંબ નીચે હોય છે ( breech presentation) . આવી સ્થિતિ પ્રસૂતિ દરમિયાન મુશ્કેલીઓ સર્જે છે. જેમાં સિઝેરિયન ઑપરેશન કરવા સુધીની તૈયારી રાખવી પડે છે.

એકલદોકલ કિસ્સામાં એવી ગોઠવણ પણ હોય કે જેમાં બાળક આડું હોય
એક બાળકને બદલે જોડિયાં (Twins) કે વેલડાં (Triplet) પણ હોય

આવી, ભર્યા નારિયેળ જેવી ગર્ભાશયની અંદરની પરિસ્થિતિનો અંદાજ, પ્રસૂતિનો સમય આવે તે પહેલાં, ડૉક્ટર મેળવી લે છે. અને પ્રસૂતિ સમયે જે તે સ્થિતિને પહોંચી વળવા આવશ્યક તૈયારીઓ પણ કરે છે. ગર્ભાશયમાં પાંગરતા બાળકની સ્થિતિ ( (Pre-sensation) કઇ છે, તેની જાણકારી છેક પ્રસૂતિ સુધી હોવી આવશ્યક ગણાય. તેના ઉપરથી પ્રસૂતિવેળા બાળક કઇ કરવટ લેશે તેનો અંદાજ લગાવી શકાય. અને તેનું સ્વાગત કરવાનો પ્રકાર નક્કી થઇ શકે. સોનોગ્રાફી આ કાર્યમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

સોનોગ્રાફી

સગર્ભાની તપાસના મહત્ત્વના કાર્યમાં સોનોગ્રાફીની મદદથી ગર્ભસ્થ શિશુ વિશે તમામ માહિતી મેળવી શકાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન એક્સ-રે ન લઇ શકાય, કારણ કે તેનાથી માતાના ઉદરમાં ઊછરતા શિશુના કુમળા દેહને ગંભીર ઇજા થવાનો ભય રહે છે. આવા સંજોગોમાં સોનોગ્રાફી આશીર્વાદરૂપ સાબિત થાય છે. કારણ કે, સોનોગ્રાફીમાં ધ્વનિના તરંગો જ શરીરને સ્પર્શતાં હોવાથી તેની કોઇ આડઅસર થતી નથી.

ડૉક્ટર ચોક્કસ નિદાન ન કરી શકતા હોય તેવા કેસમાં, ગર્ભાશયમાં ગર્ભ છે કે કેમ ? તેનો જવાબ સોનોગ્રાફી હા અથવા ના માં આપે છે. ગર્ભાશયમાં ઊછરતા બાળકના શરીરમાં કોઇ ખોડખાંપણ હોય તોપણ સોનોગ્રાફી તેની સામે આંગળી ચીંધે છે. ગર્ભનું આરોપણ ગર્ભાશયમાં થવાને બદલે અયોગ્ય જગ્યાએ ( ફેલોપિયન ટ્યુબમાં) થયું હોય તો સોનોગ્રાફી ડૉક્ટર તથા દર્દીને ચેતવે છે. જોષી મહારાજની જેમ તે ગર્ભની ઉંમર પણ અડસટ્ટે કહી આપે છે. ગર્ભાશયમાં ગર્ભની સ્થિતિ ઉપરાંત તેની આસપાસ અધિક પ્રમાણમાં ગર્ભજળ એકઠું થતું હોય તો (Hydration) તેનો અંદાજ પણ સોનોગ્રાફીથી મેળવી શકાય છે, જોડિયાં બાળકો હોય તો તે ક્ષણવારમાં કહી શકે છે. ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ હોય તોપણ સોનોગ્રાફી પકડી પાડે છે.

સોનોગ્રાફી યંત્રની છેલ્લામાં છેલ્લી અદ્યતન આવૃત્તિથી ગર્ભસ્થ શિશુની માત્ર છબી જ નહીં, તેના હાથ-પગના હલનચલન અને મુખના હાવભાવ પણ ચલચિત્રની માફક નિહાળી શકાય છે.!

Tags