Type Here to Get Search Results !

ભારતના બંધારણની રચના | Indian Constitution

કૅબિનેટ મિશન(ઈ.સ.1946)માં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈ. સ. 1946માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાના 389 સભ્યોની ચૂંટણી થઈ. 

9 ડિસેમ્બર, 1946ના રોજ સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખપદે પ્રથમ બેઠક મળી. 11 ડિસેમ્બરના રોજ ડૉ. રાજેન્દ્રપ્રસાદને બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામીં આવ્યા. 

29 ઓગસ્ટ, 1947ના રોજ બંઘારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષ ડૉ. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકર હતા. 

બંધારણની મુસદ્દા સમિતિમાં એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી એયર, ટી. ટી. કૃષ્ણમાચારી, કનૈયાલાલ મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, ટી. માધવરાવનો સભ્યો તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ થયો હતો. 

મુસદ્દા (ખરડા) સમિત્તિએ બંધારણનો ખરડો તૈયાર કર્યો. 4 નવેમ્બર, 1948ના રોજ તેનું પ્રથમ વાચન થયું અને 26 નવેમ્બર, 1949ના રોજ ખરડાની ચર્ચા પૂર્ણ થતાં બંધારણને આખરી સ્વરૂપ આપી મંજૂર થયેલું જાહેર કરવામાં આવ્યું. 

બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા. 24 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા અને 26 જાન્યુઆરી, 1950થી બંધારણનો અમલ શરૂ થયો. 

ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા. 

સુઘારેલ આમુખ નીચે પ્રમાણે છેઃ “અમે ભારતના પ્રજાજનો, આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બઘા જ નાગરિકોને સામાજિક, રાજકીય અતે આર્થિક ન્યાય મળે. 

વિચાર, વાણી, ધર્મ, પૂજા અને માન્યતાની સ્વાધીનતા રહે. સર્વને સમાન તક અને મોભો પ્રાપ્ત થાય અને સર્વમાં એવી ભાઈચારાની ભાવના વધે કે જેથી વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડિતતા સિદ્ધ થઈ રહે.”

 “અમે અમારી બંધારણસભામાં 1949ના નવેમ્બરના 26મા દિવસે આ બંધારણને મંજૂર કરીએ છીએ, કાયદાનું સ્વરૂપ આપીએ છીએ અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ.” સર્વોચ્ય અદાલતે 'કેશવાનંદ ભારતી' કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો છે અને અનુચ્છેદ 368 આધીન સુધારાને કાયદેસર ગણાવ્યા છે. 

પરંતુ સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું છે કે સંસદ આમુખમાં કંઈ પણ જોડવા ઇચ્છે તો જોડી શકે છે પરંતુ તે આમુખના મૂળ અર્થને બદલી શકશે નહિ. 

ભારતના બંધારણની રચના

ભારતના બંધારણની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છેઃ 

  1. વિશ્વનું સૌથી મોટું બંધારણ 
  2. બંધારણનો પ્રારંભ આમુખથી
  3. ભારતની પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર થયેલ બંધારણ 
  4. દસ્તાવેજી લેખિત બંધારણ 
  5. સુપરિવર્તનશીલ તેમજ દુષ્પરિવર્તનશીલ 
  6. બંધારણની સર્વોપરિતા 
  7. ભારતીય રાજ્ય સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી પ્રજાસત્તાક રાજ્ય 
  8. પ્રજાસત્તાનું ઉદભવસ્થાન 
  9. વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર 
  10. સંસદીય સરકારનો સ્વીકાર 
  11. મૂળભૂત હકોનો સ્વીકાર તથા અમલ 
  12. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 
  13. મૂળભૂત ફરજો 
  14. પુખ્તવય મતાધિકારનો સ્વીકાર 
  15. અદાલતી સમીક્ષાનો સ્વીકાર 
  16. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને પછાત વર્ગો માટે ખાસ પ્રબંધો 
  17. દેવનાગરી લિપિવાળી હિંદીને રાષ્ટ્રભાષા તરીકેનું સ્થાન 
  18. સ્થાનિક સ્વ-શાસનની સંસ્થાઓ માટે બંધારણીય જોગવાઈઓ 

બંધારણના ત્રીજા ભાગમાં ભારતના નાગરિકના નીચેના મૂળભૂત હકો સ્વીકારવામાં આવ્યા છેઃ 

  1. સમાનતાનો અધિકાર 
  2. સ્વતંત્રતા-સ્વાધીનતાનો અધિકારઃ 
  3. વાણી અને વિચારની સ્વતંત્રતા 
  4. શાંતિપૂર્વક, હથિયાર સિવાય એકઠા થવાની સ્વતંત્રતા 
  5. સંસ્થાઓ કે સમુદાયો રચવાની સ્વતંત્રતા 
  6. ભારતના કોઈ પણ વિસ્તારમાં હરવા- ફરવાની સ્વતંત્રતા 
  7. ભારતના કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરવાની સ્વતંત્રતા 
  8. જીવનરક્ષાનો તેમજ અંગત સ્વાતંત્ર્યનો અધિકાર 
  9. ધરપકડ અને અટકાયત સામેનો અધિકાર 
  10. શોષણવિરોધી અધિકાર 
  11. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 
  12. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 
  13. બંધારણીય ઇલાજોનો અધિકાર 

બંધારણના ચોથા ભાગમાં કલમ 36થી 51માં આ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતો બે વિભાગમાં છેઃ 

  1. આંતરિક નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને 
  2.  બાહ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 

આંતરિક નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશની અંદરના આર્થિક અને સામાજિક વહીવટને લગતા છે. 

આર્થિક સિદ્ધાંતોમાં સ્ત્રીપુરુષ સમાન વેતન, જનકલ્યાણ માટે આર્થિક સાધનોની માલિકી અને નિયંત્રણ, ઉત્પાદનનાં સાઘનો અને મિલકતના કેન્દ્રીકરણને અટકાવવું, શ્રમજીવીઓનું સ્વાસ્થ્ય બગડે તેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવું, વૃદ્ધાવસ્થા, માંદગી કે બેકારીમાં આર્થિક મદદ કરવી, ખેતઉધોગ અને પશુસંવર્ધનને આધુનિક અને વૈજ્ઞાનિક બત્તાવવાં, દુધાળાં ઢોરોની કતલ અટકાવવી, ગ્રામપંચાયતોને વધુ સ્વાયત્તતા આપવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 

સામાજિક સિદ્ધાંતોમાં 14 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત કેળવણી, આરોગ્યને નુક્સાન કરતાં કેફી પીણાં પર પ્રતિબંધ, પછાત જાતિઓ અને વર્ગો માટે શિક્ષણ સુવિધા, એતિહાસિક અને રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી, ન્યાયતંત્રને વહીવટીતંત્રથી અલગ કરવાં માટેનાં પગલાં વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બાહ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા છે. 

તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના પ્રયત્નો, અન્ય રાષ્ટ્રો સાથે ન્યાયી અને ગૌરવપ્રદ સંબંધો સ્થાપવાનો, આંતરરાષ્ટ્રીય કાયદા અને કરારોને માન આપવાનો, આંતરરાષ્ટ્રીય મતભેદોનો ઉકેલ લવાદપ્રથા દ્વારા લાવવાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 

બંધારણની કલમ 79 અનુસાર ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. સંસદનાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્પતિની સહી થતાં ખરડો કાયદો બને છે. 

રાજ્યસભાઃ બંધારણની કલમ 80 અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. 250માંથી 12 સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ સાહિત્ય, સંગીત, વિજ્ઞાન, કલા અને સામાજિક સેવાનાં ક્ષેત્રોમાં વિશેષ યોગ્યતા ધરાવતા વ્યક્તિઓમાંથી કરે છે અને 238 સભ્યો રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તરીકે ચૂંટાય છે. 

દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પોતાના રાજ્યને ફાળે આવેલ સંખ્યા જેટલા રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે. 

રાજ્યસભાના સભ્ય બનવા માટે આ પ્રમાણેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છે: 

  1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 
  2. ઓછામાં ઓછી 30 વર્ષની ઉમર હોવી જોઈએ. 
  3. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ઘરાવતો હોવો જોઈએ નહિ. 
  4. લોકસભાના ઉમેદવાર માટે જે લાયકાતો નક્કી કરવામાં આવી છે તે ધરાવતો હોવો જોઈએ. 
  5. કોઈ પણ નાગરિક રાજ્યસભા તથા લોકસભાનું સભ્યપદ એકસાથે ધરાવતો હોવો જોઈએ નહિ.