Type Here to Get Search Results !

અનાવૃષ્ટિની અર્થતંત્ર પર થતી વિપરિત અસરો

સદ્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વર્ષો પહેલાં નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા ત્યારે તેમણે સંસદમાં વ્યક્તવ્ય દરમ્યાન એમ કહેલું કે ભારતના નાણાપ્રધાન મેઘરાજા છે. 

અંગ્રેજ વાઇસરૉય કર્ઝન એ જ વાત જુદા શબ્દોમાં એમ જણાવતો કે ભારત અમારું ગુલામ નથી. ચોમાસાની મોસમનું ગુલામ છે. કર્ઝનનું પહેલું વાક્ય તો જાણે હળાહળ ખોટું, પરંતુ બીજું વાક્ય અર્થશાસ્ત્ર મુજબ સો ટકા સાચું છે. 

અનાવૃષ્ટિની અર્થતંત્ર પર થતી વિપરિત અસરો

કઈ રીતે, એ જોઈએ. ધારો કે અમુક વર્ષનું ચોમાસું સાવ ફેલ જાય છે. હંમેશ મુજબનો વરસાદ પડતો નથી. બિલિયર્સની રમતના દડાની જેમ અનાવૃષ્ટિ ત્યાર બાદ અર્થતંત્રને કેટકેટલી રીતે ફટકા મારે એ ક્રમવાર વાંચો.

  1. ભારતની પ્રજાના કુલ 56.6 ટકા લોકો ખેતી પર નભે છે, એટલે સૌપ્રથમ તેઓ દેવામાં ડૂબે અને વ્યાપારી બૅન્કોનું પણ વાર્ષિક સરવૈયું બગાડી નાખે; 
  2. નદી પરના બંધો સરખા ન ભરાય, માટે જળવિદ્યુતના ઉત્પાદનમાં મેગાવોટને હિસાબે કાપ પડે અને સરકાર ઔદ્યોગિક કારખાનાંને અપાતો વીજસપ્લાય નછૂટકે સહેજ ઘટાડી દે;
  3. કારખાનાને પર્યાપ્ત વીજપુરવઠો ન મળતાં પ્રોડકશન ઓછું થાય, અમુક કારીગરોને છૂટા કરી દેવા પડે અને બેરોજગારી વધે;
  4. ઉત્પાદનમાં કપાત આવતાં ઘણી ચીજો મોંઘી બને;
  5. મોંઘવારીના તથા બેરોજગારીના કારણે લોકોની ખરીદશક્તિ ઓછી થાય અને ભૂખમરા જેવી સ્થિતિ વેઠતા ખેતમજૂરો તો જીવનનિર્વાહ માટે અનિવાર્ય ચીજો પણ ખરીદી શકે નહિ;
  6. ચીજવસ્તુઓની માગમાં સરવાળે ખાસ્સો ઘટાડો થવા માંડે ત્યારે પૂરતી બજારુ માગના અભાવે કારખાનાં તેમનું ઉત્પાદન હજી ઓછું કરી નાખે. વધુ લોકો બેકારીનો ભોગ બને તથા ખરીદશક્તિ ઓર ઘટી જવા પામે;
  7. કારખાનાં માલ ઓછો બનાવે, એટલે સરકારને GST, ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ વગેરે દ્વારા થતી આવકનું પ્રમાણ લગભગ તળિયે પહોંચે. પરિણામે સરકાર પોતાની આવક-જાવકના બે છેડા ભેગા કરી શકે નહિ. આથી તેણે નવી ચલણી નોટો છાપી કામ ચલાવવું રહ્યું. આ રકમનો ઘણોખરો હિસ્સો તેણે પડી ભાંગેલા ખેડૂતોને તથા બેકાર થયેલા કામદારોને રાહતકાર્યના નામે આપવો રહ્યો; 
  8. હવે લોકોના હાથમાં પૈસા આવે કે સૌ તરત ખરીદી કરવા દોડે, પરંતુ બજારમાં પૂરતો માલ હોય નહિ. પરિણામે વળી પાછી મોંઘવારી વધે અને એ રીતે ફરી રહેલા દુઃચક્રને બ્રેક મારવાનું કામ સરકારના પગે આંટા લાવી દે. 

ઉપર્યુકત વર્ણન તો જાણે અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણે મેઘરાજાને ભારતના નાણામંત્રી ઠરાવે, પરંતુ તેઓ બહુજન સમાજના કલ્યાણનું દાયિત્વ ધરાવતા ગૃહપ્રધાન પણ શા કારણે લેખાય તેના ખુલાસા માટે પેલા કારમાં કરુણતાપૂર્ણ છપ્પનિયા દુકાળને યાદ કરીએ. 

છપ્પનિયો એટલા માટે કે વિક્રમ સંવત પ્રમાણે વર્ષ 1956નું હતું, (પશ્ચિમી કેલેન્ડર પ્રમાણે 1899-1900નું હતું.) ચોમાસું લગભગ કોરું વીત્યું. આશરે 12,30,000 ચોરસ કિલોમીટરનો પ્રદેશ દુકાળગ્રસ્ત થયો અને ત્યાંના લગભગ છ કરોડ રહીશો પૈકી નેવું લાખ રહીશો , ભૂખમરામાં મૃત્યુ નીપજ્યુ. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક સદંતર નાબૂદ થયો અને રવી પાક છપ્પનીયા દુકાળ વખતમાં પણ માત્ર બા૨ ટકા જેટલો ઊતર્યો.